આજે ઘણા દિવસો પછી જ્યારે હું નવરો બેઠો હતો ત્યારે મને એમ થયું કે મારી સાચી સંપત્તિ કઈ? આજકાલનાં જુવાનીયાઓ (15 વર્ષની ઉંમરનાં છોકરાવ) જ્યારે ભણવા માટે સ્કુલમાં જાય છે ત્યારે તેમને ઘણા મિત્રો બનતા હોય છે. દરેક વ્યક્તિ માટે તેની દુનિયા તેના વિચારોથી બનતી હોય છે. થોડા દિવસ પહલા હું “બ્રહ્મસૂત્ર” નામની પુસ્તક વાંચતો હતો ત્યારે મને એમાં જાણવા મળ્યું હતું કે આપણી દેખીતી દુનિયા આપણી કલ્પનાશક્તિથી રચાતી હોય છે અને એ દુનિયાને નિહાળીને આપણે વિચારો કરીએ તો આપણી વિચારધારા પણ તે દુનિયા સુધીજ સીમિત હોય છે.
(તમારે વાંચવી હોય તો આ રહી તેની કોપી: Brahma Sutra)
ઉદાહરણ તરીકે, એક સુથાર જયારે કોઈ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે ત્યાનું ફર્નીચર જોતો હોય છે, એક આર્કિટેકટ જયારે જાય ત્યારે ત્યાની ડિઝાઇન જોતો હોય છે, એક IT એન્જીનીયર જાય ત્યારે ત્યાનું ઓટોમેશન જોતો હોય છે. આમ દરેક વ્યક્તિની દુનિયા અલગ-અલગ રીતે નિહાળવામાં આવે છે. એજ રીતે, જુવાનીયાઓને સ્કુલમાં મળતા દરેક મિત્રો તેમના ઘરની પરિસ્થિતિ, ઘરનું વાતાવરણ વગેરેને કારણે અલગ-અલગ પ્રકારની વિચારધારા ધરાવતા હોય છે. તેનું કારણ એ છે કે ઘણા ઘરોમાં ભજન-ભક્તિને મહત્વતા આપવામાં આવતી હોય છે તો ઘણા ઘરોમાં બોલીવુડ લાઈફસ્ટાઈલને મહત્વતા આપવામાં આવતી હોય છે. અને આ રીતે તેમની અલગ-અલગ વિચારધારાની અસર જુવાનીયાઓના જીવનમાં પણ જોવા મળતી હોય છે.
માનીલો કે તમે એક 15 વર્ષના વિદ્યાર્થી છોં અને સ્કુલમાં તમારે પણ મિત્રો છે. હવે આ મિત્રોની વિચારધારા હમેશા પક્ષપાત વાળી જ (Bias) હશે. કેમ કે ઘરમાં તમે નૈતિકતા, રીસ્પેક્ટ, અહિંસા એવું બધું શીખતા હોવ છો અને ટીવી સીરીયલમાં તમને એનાથી વિપરીત જોવા મળે છે, આથી વિચારધારા પણ એવી જ હશે. સામાન્યરીતે જુવાનીયાઓ બોલીવૂડના મૂવીઝ જોઈને એવું સમજે છે કે તેમના જીવનમાં પણ એક પ્રેમિકા/પ્રેમી હોવો જોઈએ. પણ તે લોકો એવું નથી સમજતા કે એના માટે પણ એક ઉંમર અને પરિસ્થિતિ હોય છે. અને અનાયાસે જ એવી વિચારધારાથી તેમના ક્લાસની યુવતી સાથે આકર્ષિત થઇ જાય છે જેને તે પ્રેમ સમજી બેસે છે. એ આકર્ષણ ઘણી વખત 6-6 મહિના સુધી ચાલતું હોય છે છતાં તેઓ તેને પ્રેમ જ સમજે છે. પણ એ પ્રેમ નથી હોતો પણ પ્રેમની એક ઝાંખી જ હોય છે, કારણકે તેમને પ્રેમની સાચી વ્યાખ્યા જ ખબર નથી. અને તે વિચારધારાથી તેઓ તેમના પ્રેમી/પ્રેમિકાને મેળવવાનાં અનેકો પ્રયાસ કર્યા કરતા હોય છે અને જયારે નિષ્ફળ થાય છે ત્યારે ખોટા રસ્તે જતા રહેતા હોય છે. જેવી રીતે ‘કબીર’ મુવીમાં શાહિદ કપૂર નશાના રવાડે ચઢી ગયેલો એ રીતે લોકો મુવીને ફોલો કરીને નશાના રવાડે ચઢી જાય છે. પણ એ સમયે પોતાને રોકનારો એક એવો મિત્ર હોવો જોઈએ જે તમને કહે કે, “આ તને નથી શોભતું”, અને એજ સાચી સંગતી છે. સાચું કહું તો, સંગતી એ તમારી સંપતિ છે. સંપતિ એટલા માટે કારણકે તમારી સંગતી જેવા વ્યક્તિઓ સાથે હશે તેવી તમારી માનસિકતા હશે અને એ માનસિકતા પ્રમાણે તમે તમારું જીવન જીવતા હશો.
હવે આજે જ અને અત્યારે જ, તમારા જીવનનું અવલોકન કરો અને પૂછો તમારી આત્માને કે, “હું જીવનમાં જે પણ કોઈ જગ્યાએ હાલમાં છું, એનું કારણ શું?” જયારે ખુબ મનન-ચિંતન કરશો ત્યારે જાણવા મળશે કે તમારા લીધેલા નિર્ણયો તમને તમે જે મુકામ પર છો ત્યાં સુધી લાવ્યા છે. અને તે નિર્ણયોનું જ્ઞાન તમારી આજુ બાજુનું વાતાવરણ અર્થાત તમારી સંગતીને આધીન હોય છે. જે રીતે ગોબરથી ભરેલી રૂમમાં પડેલી વસ્તુમાંથી પણ ગોબરની ગંધ સ્વાભાવિક રીતે આવતી હોય છે એ રીતે ખરાબ સંગતીની અસર પણ તમારી વિચારધારા અને તમારા નિર્ણયોમાં દેખાઈ જ આવે છે. એજ રીતે અત્તરથી ભરેલી રૂમમાં પડેલી કોઈ વસ્તુમાંથી પણ અત્તરની સુવાસ આવતી હોય છે તેમ સારી અથવા સજ્જનોની સંગતિથી પણ તમારી વિચારધારા અને તમારા નિર્ણયોમાં અસર દેખાઈ જ આવે છે.
મારા ખુબ ઓછા મિત્રો છે પણ મને મારું અવલોકન કરું ત્યારે અવશ્ય જાણવા મળે છે કે મારા ચારિત્ર્યમાં અમુક ગુણો મારા મિત્રો માંથી આવેલા છે. જેમકે, ધીરજ રાખવી, ઊંડું અવલોકન કરવું, રીલેશનશીપની કદર કરવી, સોસીયલ બનવું, અન્ય લોકોની ભાવનાઓની કદર કરવી આ દરેક ગુણો હું મારા મિત્ર (હેમંત) માંથી મારી અંદર નીખરેલા છે!.
સેલ્ફ કોન્ફિડન્સ મહત્વનો છે, બીઝનેસમેનની દ્રષ્ટીથી વિચારવું, પ્રેમ(આકર્ષણ)માં નાં પડવું વગેરે જેવા ગુણો મારા અન્ય મિત્ર (ગોવેશ) માંથી નીખરેલા છે.
કંઈપણ થઇ જાય તોપણ હમેશા ખુશ રહેવું, દરેક વસ્તુઓને ખુબ હલકામાં લેવી (કે જેથી ડીપ્રેસન નાં આવે!) વગેરે જેવા ગુણો મારા અન્ય મિત્ર (જયપાલ) માંથી નીખરેલા છે. - અહી હું એવું નથી કહેવા માંગતો કે આ દરેક ગુણો મારી અંદર નહોતા! દુનિયાના દરેક વ્યક્તિ પાસે દરેક પ્રકારનાં ગુણો હોય જ છે, બસ એ નિખરીને બહાર આવવામાં અમુક પરિબળો જવાબદાર બનવા જરૂરી થવું જોઈએ અને એ સંગતીથી થાય છે. કારણકે તમારી અનુભવાતી દુનિયામાં તમારા નિર્ણયો ખોટા કે સાચા એ નક્કી કરવામાં તમારી વિચારધારાનો મહત્વનો ફાળો છે. અને એ વિચારધારા તમારી સંગતીને કારણે પણ અસર પામે છે.
આપણા ઇતિહાસમાં એક વાર્તા આજે મને યાદ આવે છે:
એક વખત એક વાળંદ તેના રાજાનાં વાળ કાપવા ગયેલો અને તે સમયે તેની પત્નીનો ફોન આવ્યો! પત્નીએ પૂછ્યું કે, “ક્યાં છો?” ત્યારે તેના પ્રત્યુત્તર તરીકે વાળંદે કીધું કે, “આ રાજાના માથાના લટિયા કાપીને આવું છું!” રાજા માટે ‘સન્માન’ એક અનિવાર્ય જરૂરિયાત હોય છે (પદવી & પ્રતિષ્ઠાને કારણે). આથી રાજાને એ વાળંદના શબ્દોથી માનહાની લાગી! અને રાજાએ તેને તરત જ તેને વાળ કાપતાં અટકાવીને સૈનિકોને બોલાવ્યા અને હુકુમ કર્યો કે, “આ વાળંદને બંધી બનાવી દો, તેને રાજાનું સન્માન કેમ કરાય તેનું પણ જ્ઞાન નથી!” અને પછી બીજા એક વાળંદને બોલાવ્યો બાકીના વાળ કાપવા માટે! બીજો વાળંદ રાજાનાં વાળ કાપી જ રહ્યો હતો કે તે સમયે તેની પત્નીનો ફોન આવ્યો અને પૂછ્યું, “ક્યાં છો?!” આ વાળંદે જવાબ આપ્યો, “રાજાનાં મહેલમાં છું, તેમના બગીચાના ફૂલ ચૂંટીને આવું છું થોડી વારમાં” રાજા તો વાળંદના શબ્દો સાંભળીને જાણે વખાણમાં ઓતપ્રોત થઇ ગયો! રાજા એટલો ખુશ થઇ ગયો કે વાળ કપાઈ ગયા પછી તેણે સેનાપતિને બોલાવીને વાળંદને સોનામહોરો આપીને વિદાય કર્યો. અહી આ વાર્તામાં બંને વાળંદે વાત એક જ કરી હતી પણ બંનેની બોલવાની રીત એકને બંધી ની સજા અને એકને સોનામહોર આપી ગઈ. કેમ? તેમની સંગતીની અસર! પહેલો વાળંદ જ્યાં કામ કરતો હતો ત્યાં આજુબાજુ અપશબ્દો બોલાતા હતા જ્યારે બીજો વાળંદ જ્યાં કામ કરતો હતો ત્યાં બાજુમાં રોજ પ્રવચનો થતાં હતા! એજ રીતે, તમારા જીવનમાં કઈ ઉંમરે શું કરવું, કેમ કરવું, ક્યારે કરવું એ દરેકનું જ્ઞાન ઉંમર વિતતા, અનુભવો દ્વારા અને અન્ય લોકોની સલાહોને કારણે આવતું હોય છે પણ સૌથી વધુ મહત્વનો ભાગ કોઈ ભજવતું હોય તો તે તમારી સંગતી છે. અને એટલેજ કહું છું, “સંગતી એજ સંપત્તિ છે” તમારી સંપત્તિ કેવી રાખવી તેના પર પણ ધ્યાન આપજો.
તો આજના માટે બસ આટલુજ, મળીયે નવી પોસ્ટમાં. જયહિંદ🙏.
Comments
Post a Comment