આજનો જમાનો એક એવો જમાનો છે કે જેમાં દરેક વસ્તુ/વિચાર અને આપણી પરંપરામાં વિશ્વાસ કરાવવા માટે વૈજ્ઞાનિક સાબિતીઓ આપવી પડે છે!
પણ કહેવાય છે ને કે, "વિચારોને કોઈ અવકાશ નથી નડતો" બસ, એજ સાથે હું આજે તમને ભજન ભક્તિ કેમ કરવી તેના વિશે જણાવવાનો છું:
આગળ ઉપર જેટલી પણ પુસ્તકો લખી છે તે દરેક પુસ્તકોમાં મેં આપણી સમજણ શક્તિ કઈ રીતે બને છે એમ ઘણા વિષય વિશે જણાવ્યું છે. પણ આજના આ આર્ટીકલમાં હું એમ જણાવવા જઈ રહ્યો છું કે "ભજન-ભક્તિ કેમ કરવી?"
આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા આપણે જીવનના અમુક પાસાઓ સમજી લઈએ તો આ પ્રશ્નનો જવાબ સમજવો ખુબજ સરળ થઇ જશે.
અને આગળ વાંચવાનું શરુ કરો એ પહેલા એક વિનંતી છે દિલથી: "આ લેખ (આર્ટીકલ) એક મજાક નથી કે ફક્ત લખાણ પણ નથી! આ લેખ અત્યાર સુધી લખાયેલા જેટલા પણ સત્ય જ્ઞાનના ગ્રંથો છે તેમાંથી લીધેલ પ્રેરણા અને જે-જે લેખકો, ઋષિમુનીઓ એ આપણને જીવન કઈ રીતે જીવવું એ સમજણની ભેટ આપી છે તેની એક ઝાંખી છે. તદુપરાંત આ લેખમાં લખેલો દરેક શબ્દ, વાક્ય અને ફકરો મારી પોતાની 15 વર્ષની મહેનત છે જેને વિજ્ઞાન, તર્ક, ઈંટ્યુશન (Intuition) અને બીજા ઘણા માધ્યમોથી ચકાસેલું છે. તો જો તમારું મન આ શબ્દોને ફક્ત સમજવા માટે વાંચી લેશે તો સમજજો કે તમારે હજુ ઘણું બધું જાણવાનું બાકી છે!"
તો ચાલો શરુ કરીએ!
આપણો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી તમારી જિંદગીનું અવલોકન કરશો તો જાણવા મળશે કે તમારી દરેક ક્રિયાઓ પ્રમાણે તમને દર વખતે સારું ફળ નથી મળતું. અને તમારી અપેક્ષાઓ ઘણી બધી વખત ખોટી પડે છે જેને કારણે દુઃખનો અનુભવ કરવો પડે છે, બરોબર? તમારા જીવનમાં જ્યારે દુઃખ આવે અને તે દુઃખને તમે વળગેલા રહેશો તો 100% તમને દુઃખ આવશે જ.
- તમારો જન્મ થયો તે તમારી ઈચ્છાથી થયો હતો?
- તમારું મૃત્યુ થશે શું એ પણ તમારી ઈચ્છાથી થવાનું છે?
- તમારી શ્વાસો-શ્વાસની પ્રક્રિયા છે તે તમારી ઈચ્છાથી ચાલે છે?
- તમારી અપેક્ષાઓનો ભંગ થાય છે તે તમારી ઈચ્છાને કારણે થાય છે?
- તમારી પરિસ્થિતિ જે પણ કંઈ છે તે તમારી ઈચ્છાને કારણે છે?
- તમે ગમે તેટલી કાળજી રાખો છો તેમ છતાં કંઇકને કંઇક મુશ્કેલીઓ લાઈફમાં આવે જ છે, બરોબર? તો શું તે તમારી ઈચ્છાને કારણે આવે છે?
ઉપરના દરેક પ્રશ્નનો જવાબ "નાં" છે, બરોબર?
તેનો મતલબ એ થયો કે, આપણી પોતાની ઈચ્છાને કારણે આ દુનિયામાં કંઇજ એટલે કંઇજ નથી થતું. તેમ છતાં, આપણે પોતાની જાતને "કર્તા (ક્રિયાનો કરનાર)" સમજીને અહંકારનો વિકાસ કરીએ છીએ જે આપણા મન અને બુદ્ધિને એમ જાણવા માટે મજબુર કરે છે કે, "દુનિયા આપણા આયોજનથી ચાલે છે." અને આ જ સમજણ તથા તે સમજણ સાથે વળગી રહેવું એ દુઃખનું મૂળ કારણ છે.
આનું સમાધાન એ છે કે, આપણે જીવનના મૂળભૂત નિયમો સમજી લઈએ. હું હજુ પણ એક વખત કહેવા માંગીશ કે પશ્ચિમ સંસ્કૃતિની દ્રષ્ટીએ દુનિયાને સમજવા જશો તો આખી જિંદગી નીકળી જશે પણ કંઇજ સમજણ નહિ પડે. પશ્ચિમ સંસ્કૃતિ અને સંપ્રદાયો વિશ્વને તર્કની પરિભાષામાં સમજવાની કોશિષ કરે છે. પણ, વિશ્વ તર્કની મર્યાદા (સીમા) થી પણ વધારે મહાન છે જેને પ્રેમ, કરુણા અને પરોપકારની દ્રષ્ટિથી જ સમજી શકાય છે.
તો, ઉપરના દરેક પ્રશ્નોનો જવાબ એ છે કે આપણે 2 વસ્તુઓને સ્વીકારવી પડશે.
- ભગવાન જ સર્વ કર્તા-હર્તા છે. અને,
- પુનર્જન્મ તથા કર્મ સિદ્ધાંત હોય છે.
આપણને 4 પ્રકારનાં કર્મોનો સામનો કરવાનો હોય છે;
સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, ક્રિયામન કર્મ અને આગામી કર્મ.
સંચિત કર્મ એટલે એવા કર્મો કે જે આપણી સાથે (ચેતના સાથે) કેટલાંય જન્મોથી રહેલા છે. આપણા સંસ્કારો, વાસનાઓ (ઈચ્છાઓ), અપરીપૂર્ણ સબંધો (કે જે પરિપૂર્ણ નથી થયા) અને અમુક કર્તવ્યો કે જે બાકી છે કરવાના તેને સંચિત કર્મો કહેવાય છે.
પ્રારબ્ધ કર્મ એટલે કે જે સંચિત કર્મોનો નાશ કરવા માટે કરવા પડતા આ જન્મના કર્મો. કારણકે, જન્મ-મૃત્યુનાં બંધન માંથી મુક્ત થવા માટે આપણી કર્મની બેલેન્સ શીટ એકદમ સ્વચ્છ હોવી જોઈએ.
ક્રિયામન કર્મ એ એ કર્મ કે જે આપણા દ્વારા વર્તમાનમાં થઇ/લેવાય રહ્યા છે.
અને આગામી કર્મ એટલે એ કર્મ કે જે ભવિષ્યમાં આપણે લઈશું.
આ કન્સેપ્ટને સમજવા માટે એક ઉદાહરણ આપું;
માની લો કે તમે કોઈ બીઝનેસ કરવા માટે બેન્કમાંથી 1 કરોડ રૂપિયાની લોન લીધી છે. એ આપણા સંચિત કર્મ બનશે. હવે, આ લોન પૂરી કરવા માટે આપણે 10 વર્ષનો સમયગાળો રાખ્યો છે. તો, આપણા પ્રારબ્ધ કર્મ શું હશે? આપણા પ્રારબ્ધ કર્મ દર વર્ષે 10 લાખ રૂપિયા બેંક ને આગામી 10 વર્ષ માટે ચૂકવવાના રહેશે - એ પ્રારબ્ધ કર્મ બનશે. હવે જો આપણે આ સમયગાળા દરમ્યાન આપણી ભેગી કરેલી પ્રોપર્ટી જેમકે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્ષ ડીપોઝીટ વગેરે વેચી દઈએ તો તે ક્રિયામન કર્મ કહેવાશે. અને એટલા માટે જ આપણા ક્રિયામન કર્મો એ પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મનો નાશ કરવા માટે ખુબ મહત્વનો ભાગ ભજવે છે. અને એજ ક્રિયામન કર્મો આપણને આપણે લેવાના ભવિષ્યનાં કર્મો (આગામી કર્મ) ને પણ નડતર રૂપ બની શકે છે. આ જ કારણોસર કર્મોનાં લેખા-જોખામાં આપણા ઋષિમુનિઓએ આપણને હંમેશાથી એક જ વસ્તુ શીખવી છે કે, "દરેક કાર્ય ખુબજ શાંત મનથી, દિલથી અને પરોપકારની ભાવનાથી જ કરવાના કે જેથી દરેક કરેલ કર્મ (ક્રિયામન કર્મ & આગામી કર્મ) એ સચિત કર્મનો ભાગ નાં બને અને કદાચ બને તો ધાર્મિક (righteousness) બને."
હવે જો અહી એક વસ્તુનું અવલોકન કર્યું હશે તો જાણવા મળશે કે, આપણને ભગવાને ક્રિયા કરવાની સામર્થ્યતા આપી છે પણ એ ક્રિયાને ભોગવાની નથી આપી. કારણકે, ક્રિયાનો ભોગનાર તમે નથી, ભગવાન છે.
તમે ક્રિયાનો ભોગનાર છો - એવી વિચારધારા જ તમને દુઃખનો અહેસાસ કરાવે છે. જે સમયે તમે તમારી કરેલી દરેક ક્રિયા ભગવાનને સમર્પિત કરીને કરશો તો તમે ક્યારેય કોઈ કર્મ સાથે વળગી રહેશો નહિ અને ત્યારે તમને દુઃખ હોવા છતાં પણ દુઃખનો અહેસાસ નહિ થાય.જે રીતે શરીરમાં ચેતનાનું અસ્તિત્વ હોવા છતાં ગાઢ નિંદ્રામાં કોઈકનું કહેલું નથી સંભળાતું એ રીતે!
Recommended Book: Mind, its mysteries & control
પૃથ્વીનું નામ આપણા શાસ્ત્રોમાં મૃત્યુલોક છે. કારણકે અહિયાં જન્મ જ થાય છે મરણ થવા માટે. અને મરણ શરીર સાથેના સબંધોથી દુર થવાની, જવાદારીઓથી દુર થવાની, બંધનો માંથી દુર થવાની અને આપણા વાસ્તવિક સ્વરૂપમાં ફરીથી ભળી જવાની પ્રક્રિયા છે. પણ એ જન્મમાં આપણે આપણી ઇન્દ્રિયોના વશમાં આવી જઈએ છીએ. એટલા માટે જ તો જે કાર્યો શરીરને નુકશાનદાયક છે તેમ છતાં આપણે તેના તરફ આકર્ષણ પામીએ છીએ. આ જ બાબતને સમર્થન આપતી એક વાત વૃંદાવનમાં વિરાજમાન મહારાજ શ્રી પ્રેમાનંદજી એ કહી છે:
તેમ છતાં આપણે ઇન્દ્રિયોના ગુલામ બનીને પોતાને ભોગોનાં ભોગનાર સમજીને દુઃખનો અનુભવ કરીએ છીએ.
હું એક તર્ક આપું, માની લો કે તમે કોઈ કંપનીમાં કામ કરતા હોય અને એ કંપનીના એમ્પ્લોયી તરીકે તમારી ફરજ છે કે તમારે કાર્ય કરવા પડશે. હવે એ સમય દરમ્યાન તમે 2 પ્રકારની વિચારધારા સાથે કામ કરી શકો છો:
- તમે એ કંપનીના માલિક છો
- બીજું કે તમે એ કંપનીના એમ્પ્લોયી છો.
હવે, ધ્યાન આપજો:
હકીકત એ છે કે તમે કંપનીના ફક્ત એક એમ્પ્લોયી છો તો તમારે માલિક નથી બનવાનું, બરોબર? પણ માલિકની વિચારધારાથી તમે કાર્યો કરશો તો કંપનીને ગ્રોથ કરવામાં ખુબ મહત્વનો ફાળો આપશો જે ખરેખર પ્રશંશનીય છે અને દરેક એમ્પ્લોયીની જવાબદારી પણ છે, પણ કંપની તમને એ ફાળાનો હિસ્સો નહિ બનાવે! બરોબર?
હવે, માનીલો કે તમે એમ્પ્લોયી તરીકે કાર્ય કરો છો તો તમારા મનમાં એક ભાવના હર હમેશા એવી રહ્યા કરશે કે, "કંપની મારી થોડી છે? જેટલું થાય એટલું કામ કરવાનું, બાકી બીજા લોકો જાણે!" અને આ વિચારધારાથી તમારી એમ્પ્લોયી તરીકેની ફરજ નિભાવવામાં તમે દિન-પ્રતિદિન ખરાબ બનતા જશો જે કંપની માટે યોગ્ય નથી અને તે જ કારણોસર કંપની તમને પણ નોકરીમાંથી કાઢી શકે છે એટલે તમારા માટે પણ યોગ્ય નથી.
તો આ સમયે તમારે એક સમજણ કેળવવાની જરૂર છે જે સમજણ જ કર્મયોગી બનાવે છે.
કંપની એ તમને કંપનીના ગ્રોથ માટે નિયુક્ત કર્યા હતા, બરોબર? તો તમારે એમ્પ્લોયી બનીને જ હમેશા કંપનીને ફાયદો થાય એ રીતે જ કામ કરવાનું છે તો તેનાથી તમારી કંપની પણ ફાયદો થશે અને તમને પણ પ્રમોશનનાં રૂપે ફાયદો થઇ શકે છે.
એજ રીતે, આ શરીર મળ્યું છે તેની એક ફરજ એ છે કે આપણે આપણા સંચિત કર્મોને દુર કરીએ અને એ દુર કરવા માટે હમેશા ભગવાન (કે જે સર્વ કર્તા-હર્તા છે)ની શરણ લઈને અને તેમને દરેક કાર્યનાં ભોગી તરીકે સ્વીકારીને પ્રેમ, કરુણા અને પરોપકારની દ્રષ્ટિથી દરેક કાર્યો કરીએ. આ પ્રકારની સમજણ & વાસ્તવિકતાની અનુભૂતિથી તમારા જીવનમાં દુઃખનો પહાડ હોવા છતાં તમે દુઃખને મહેસુસ નહિ કરો કારણકે દુઃખ હોય કે સુખ, તમે ભોગનાર નથી, ભોગનાર ભગવાન છે. અને સ્વીકૃતિ જ સંતોષ આપી શકે છે. અસ્વીકૃતિ હમેશા દુઃખ જ આપે છે.
તમે જયારે એવું સ્વીકારી લેશો કે તમારે કરવા પડતા દરેક કાર્યો ભગવાનને સર્મપિત છે, તો તમે હંમેશા એક અપાર પ્રેમ, કરુણા અને પરોપકારની ભાવના જગાડી શકશો.
જે ભાવનાથી તમે અન્ય લોકોનું ખોટું કે ખરાબ નહિ વિચારી શકો અને નહિ કરી શકો કે જે તમારા હંમેશા સારા કર્મોનું નિર્માણ કરશે કે જેને લીધે તમારા સંચિત કર્મો અને પ્રારબ્ધ કર્મો ધીરે ધીરે ઓછા થતાં જશે.
પણ આ કળીયુગમાં આપણી બુદ્ધિ આપણા અહંકારને લીધે એટલી બધી ભ્રષ્ટ થઇ ચુકી છે કે તે ફક્ત એક જ વાત દિમાગમાં રાખી શકે છે, "જેવા સાથે તેવા". તેમાં પરોપકારની વિચારધારા ક્યાંથી આવે? અને આટલું વાંચ્યા પછી પણ તમારું મગજ તમને એમ જ કહેશે કે, "આ બધું ચોપડીઓમાં જ શોભે, વાસ્તવિક જીવનમાં નહિ" પણ યાદ રાખજો દોસ્તો, કે અહીં લખેલો એક પણ શબ્દ, વાક્ય કે ફકરો મારાં મનથી નથી લખેલો, મારા દ્વારા ફક્ત લખાયેલો છે, આ જ્ઞાન વિલુપ્ત થયેલું, દફન થયેલું અને પડદો ઢાંકેલું છે જેને ધ્યાનની અને એકાગ્ર ચિતથી અવલોકન કરીને કાઢેલું, સમજેલું, પ્રેક્ટીકલી ઉતારેલું અને તેનું ફળ જાણ્યા પછીનું છે.
જો આ વાતને સ્વીકારવામાં તમે સફળ થઇ ગયા તો તમારી ઉપર માયાનો પ્રભાવ થોડો ઓછો થયો એમ સમજજો. અને જો આ જ્ઞાનને જીવનમાં ઉતારવામાં સફળ થયા તો એમ સમજજો કે માયાનો પ્રભાવ વધારે પડતો ઓછો થઇ રહ્યો છે અને તમે આધ્યાત્મિક સફરમાં આગળ વધી રહ્યા છો.
આધ્યાત્મિક સફર એટલે એ સફર જેમાં આપણે (આપણી ચેતનાએ) દરેક પ્રકારનાં કર્મોનો હિસાબ કરીને કર્મોની બેલેન્સ શીટને સ્વચ્છ કરીને આપણી વાસ્તવિકતાને સમજવાની છે કે આપણે એક ચેતના છીએ નહિ કે આ શરીર.
દુનિયાનો દરેક વ્યક્તિ "સુખ" મેળવવા માટે દોડી રહ્યો છે. એ સુખ કોઈપણ હોય શકે છે જેમકે સ્ત્રી સુખ, પુરુષ સુખ, ધનનું સુખ, લક્ષ્ય પ્રાપ્તિ સુખ, શાંતિ સુખ, ઈચ્છાપૂર્તિ સુખ એમ ઘણા બધા પ્રકારનાં સુખ હોય શકે છે. પણ એ દરેક સુખ મેળવવા માટે મુખ્ય જવાબદાર જો કોઈ હોયતો તમારા કર્મો છે. જે આપણે આગળ ઉપર જાણી લીધા છે, બરોબર?
હવે તમે ગમે તે સુખની પૂર્તિ માટે દોડશો, તમારે પ્રારબ્ધ કર્મ અને ક્રિયામન કર્મ તો કરવાજ પડશે. અને તેને કારણે તમે કોઈક વખત સુખ તો કોઈક વખત દુઃખનો અહેસાસ કર્યા જ કરશો. પણ એ દરેક સુખ-દુઃખની અનુભૂતિ ત્યાં સુધીજ છે જ્યાં સુધી તમારી પાસે જન્મ છે. અર્થાત જ્યાં સુધી એક પ્રકારનું શરીર છે, બરોબર? તો, શરીરના કોઇપણ સુખ મેળવવા માટે દોડશો તો એ દોડ "મુર્ખ દોડ" છે.
કેમ?
કારણકે, જો તમે એમ સમજતા હોય કે એ સુખ મેળવી લીધા પછી તમને ક્યારેય દુઃખ નહિ આવે તો તમે મુર્ખ છો.
કારણકે, "ઈચ્છા એ સનાતન તરસ્યો કુવો છે". જેટલી ઈચ્છા પૂરી કરશો એટલી બીજી ઈચ્છાઓ જન્મ લેશે અને એ તમને કર્મો કરવા માટે મજબુર કરશે અને આપણે બધા આપણી ઇન્દ્રિયોના ગુલામ તો છીએ જ એટલે એ મજબુરીઓને કારણે કર્મો કરતા જ રહીશું અને દુઃખો નો અહેસાસ કર્યા જ કરીશું.
તો એનું સમાધાન એ છે કે, અપેક્ષાઓ અને ઈચ્છાઓને નિયંત્રણમાં રાખો.
ઇન્દ્રિયોના ગુલામ નહિ પણ માલિક બનો. કેમકે ઇન્દ્રિયોને કારણે તમે નથી, તમે છો એટલે જ ઇન્દ્રિયો છે. તમે રાત્રે ગાઢ ઊંઘમાં સુઈ જાઓ છો અને તે સમયે તમને કોઈ કાંઇક પણ કહે તો તમને નહિ ખ્યાલ આવે કારણે તમે ગાઢ ઊંઘમાં આ શરીરમાં છો જ નહિ. તમારી ઇન્દ્રિયો તે સમયે અસ્તિત્વનો અહેસાસ જ નહિ કરી શકે. કારણકે ઇન્દ્રિયોનો અહેસાસ તમારી અસ્તિત્વતાને કારણે છે. તમે આ શરીર છો એવા જ્ઞાનને કારણે છે. જો આ વાતને પુરવાર કરતો એક વિડીયો બતાવું:
જોયું? તમારી ઇન્દ્રિયો જ તમને આ ભૌતિક શરીર જ છો એવું માનવા માટે મજબુર કરે છે. એટલા માટે જ ઇન્દ્રિયોના ગુલામ નહિ બનો, માલિક બનો. તમને ક્યારેય પણ કોઈ ખરાબ કે ખોટો વિચાર આવે તો તેને જ્ઞાનની મદદથી તમારાથી દુર કરો. એને વળગી નાં લેશો નહિતર, ઈચ્છાથી અપેક્ષા અને અપેક્ષાથી દુઃખ આવી જ જશે. અને પછી ફરિયાદ કરતા રહેશો કે, "હું સારો છું તો પણ ભગવાન જ મારું ખરાબ કર્યા કરતો હોય છે!!!" દોસ્ત એ તો કર્મનું ફળ અને "કર્તા ભાવ" નાં અજ્ઞાનનું પરિણામ છે!.
હવે વાત કરીએ ભજન-ભક્તિની.
સંગીત એક એવી વસ્તુ છે કે જે તમારો મૂડ બદલી શકે છે. જો તમે ઉત્સાહી મ્યુઝીક સાંભળશો તો ઉત્સાહી બનશો અને ઉદાસ સાંભળશો તો ઉદાસીનતા જ આવશે. એ રીતે, મ્યુઝીક તમારો મૂડ બદલી શકે છે.
સંગીત તમને જલ્દીથી યાદ પણ રહી જાય છે કારણકે તેમાં લય-તાલ, રાગ અને શબ્દોની અલગ-અલગ પ્રકારની જોડણીને કારણે અવાજમાં ચઢાવ-ઉતાર પણ આપણા હૃદયને આનંદ આપે છે.
સૌથી મહત્વની વસ્તુ સંગીતમાં લય અને રાગ છે.
રાગ તમારો મૂડ બદલી શકવાને સમર્થ છે.
અને લય એ રાગ સાથે મળીને તમને આનંદની અનુભૂતિ કરાવે છે.
બોલીવૂડનું એક ગીત છે: "આજ જાને કી જિદ્દ નાં કરો..," કે જે અરિજિતસિંઘે ગાયેલું છે.
આ ગીત જયારે મેં સર્વ પ્રથમ તેમના અવાજથી સાંભળ્યું ત્યારે એ ગીતનાં દરેક શબ્દોએ મારા હૃદયને અચંભિત કર્યું હતું. અને ખુબ જ આનંદની પ્રાપ્તિ થઇ હતી. મારું હૃદય અને મન બસ એ ગીતના મ્યુઝીકમાં અને શબ્દોની પાછળ રહેલી દરેક પ્રકારની ભાવનાઓને મહેસુસ કરવામાં પરોવાઈ ગયેલું. અને આ એવું સૂચવે છે કે, સંગીત એ તમારી લાગણીઓને જે રીતે તમે મહેસુસ કરો છો તે જ અર્થમાં રજુ કરવાનું એક સાધન છે.
માની લો કે મને કોઈ સ્ત્રી સાથે પ્રેમ છે અને મારે મારી એ લાગણીને તેને હું જેટલી ગાઢ પ્રેમભરી અવસ્થાથી મહેસુસ કરું છું તે જ રીતે તેને કહેવી છે તો હું સંગીતનો સહારો લઈશ, બરોબર? પરંતુ, સ્ત્રી સાથેનો પ્રેમ પણ જન્મ સુધી જ સીમિત છે ને? છતાં પણ આપણે એ કર્મ કરીએ છીએ!
આગળ ઉપર કહ્યું એ પ્રમાણે, ભગવાનને જ સર્વ કર્તા-હર્તા માનીને જે વ્યક્તિ જીવન જીવે છે તે વ્યક્તિ દુઃખો હોવા છતાં દુઃખોનો અહેસાસ નથી કરતો. કારણ કે તે તેના જીવનમાં ભજન-ભક્તિ કરે છે.
ભક્તિ એટલે શું?
ભક્તિ એટલે ભગવાન તરફની અથવા ભગવાનને પ્રાપ્ત કરવાની આસક્તિ.
ભગવાન એ કે જે દરેક વસ્તુ/વિષય/વ્યક્તિ અથવા સૃષ્ટિના હરએક કણમાં વિરાજમાન છે તે. આખી દુનિયા ભગવાનને કારણે જ અસ્તિત્વમાં છે. કોઈક ભગવાનને અવર્ણનીય, નિરાકાર અને સર્વવ્યાપી સમજે છે (મુસ્લિમ લોકો કે જે અલ્લાહમાં માને છે). અને કોઈક ભગવાનને અવર્ણનીય, નિરાકાર અને સાકાર, તેજોમય, સુક્ષ્માતિસુક્ષ્મ અને વિશાળમાં પણ અતિ વિશાળ, સર્વવ્યાપી, ઉર્જાવાન વગેરે સ્વરૂપે સમજે છે (હિંદુ અને અન્ય ધર્મના લોકો કે જે અલગ અલગ ભગવાનમાં માને છે અને મૂર્તિપૂજામાં પણ વિશ્વાસ કરે છે).
ભગવાન દરેકની શ્રદ્ધા અને વિશ્વાસ મુજબ પોતાનું સ્વરૂપ ધારણ કરે છે. પણ ભગવાન છે એ સત્ય છે. પણ તે અવર્ણનીય છે તો તેને સમજવું કઈ રીતે? કારણકે તર્કની મદદથી તમે તેનું અસ્તિત્વ સમજી શકશો પણ તેનાં પ્રત્યે લાગણી કઈ રીતે જગાડશો? અથવા જો લાગણી જગાડી શકશો તો તેને રજુ કઈ રીતે કરશો? તે લાગણીઓને રજુ કરવા માટે સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે.
સંગીતની મદદથી તમારા હૃદયની લાગણીઓને તમે ભગવાન સમક્ષ જે છે તે જ રૂપે રજુ કરી શકો છો અને તેમને ખુશ કરી શકો છો.
ભગવાનમય બનવાની આ પ્રક્રિયાને જ ભક્તિ કહેવાય છે. અને જે વ્યક્તિ ભગવાનમય છે તેને ભક્ત કહેવાય છે.
બોધ:
આપણી ચેતનાને નાશવંત જીવનમાં પ્રારબ્ધ અને સંચિત કર્મોને દુર કરવાનો અવસર મળ્યો છે ત્યારે આપણે આપણા વાસ્તવિક અસ્તિત્વને સમજીને માયાની જાળમાં ફસાયા વગર એટલે કે ઇન્દ્રિયોના ગુલામ બન્યા વગર તેના માલિક બનીએ અને આપણા ક્રિયામન તથા આગામી કર્મોને બિનશરતી પ્રેમ પૂર્વક, અપાર કરુણા સાથે અને પરોપકારની ભાવના યુક્ત એક જ્ઞાની કર્મયોગી બનીને કરીએ તથા સનાતન સુખ (કે જે આપણી વાસ્તવિક પ્રકૃતિ છે) માટે આપણું મન, હૃદય અને ચિત્ત ભગવાનમય કરીને ભજન-ભક્તિ કરીએ તો મળેલા જીવનનું લક્ષ્ય પૂર્ણ થાય અને આપણું જીવન અન્ય માટે લાભદાયક થાય કે જેથી સંચિત કર્મોમાં સારા કર્મની ભરતી થાય! અર્થાત, ખરાબ કર્મોનો હિસાબ થાય. મળેલા જીવનમાં કર્મયોગી બનીને જીવન જીવવાથી દુઃખ આવશે પણ તેની અનુભૂતિ નહિ થાય કારણકે કર્મયોગી બનીને કાર્ય કરેલું છે (ભગવાનને કર્તા-હર્તા સ્વીકારીને અને પોતાને એક માધ્યમ તરીકે સ્વીકારીને અપેક્ષા રહિત, કર્તવ્યનિષ્ઠ બનીને કાર્ય કરવું કે જે એક કર્મયોગીની લાક્ષણીકતા છે. BG Ch.2 V.47)
BG Ch.2 V.47
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ||
અર્થ:
We have a responsibility to perform our duties, but we should not be attached to the results of our actions. We should not think that we are the cause of everything that happens to us, and we should not be afraid to act, even if we do not know what the outcome will be.
(આપણી ફરજો નિભાવવી એ આપણું કર્તવ્ય છે પણ, આપણે તેના પરિણામોની અપેક્ષાઓ નાં રાખવી જોઈએ. આપણે એવું નાં વિચારવું જોઈએ કે જે પણ કંઈ થઇ રહ્યું છે તે આપણા લીધે થાય છે, અને આપણને પરિણામ શું આવશે એમ ખબર હોય કે નાં હોય તો પણ, કોઇપણ કાર્ય કરવામાં ડરવાનું પણ નહિ.)
તો, આજના માટે બસ આટલું જ! જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને તમારો પ્રતિભાવ જણાવજો. આ જ પ્રકારનાં ખુબ ગાઢ રહસ્યમયી સિદ્ધાંતોને ખુબજ સરળ ભાષામાં અને ઉદાહરણ સહીત લાવવાનો પ્રયાસ હંમેશા રહેશે જો તમારો સપોર્ટ મને મળશે તો. અને તમને પણ લેખમાં રસ જાગ્યો હોયતો આ પોસ્ટને એવા દરેક લોકો સાથે શેર કરો કે જેની સાથે તમારી લાગણીઓ, ફરજ અને સબંધ સંકળાયેલો છે.
મળીયે નવાં આર્ટીકલમાં, ત્યાં સુધી ભજન-ભક્તિ કરો અને ભક્ત બનવાનો પ્રયાસ કરો. :)
Comments
Post a Comment