..શું તમને પણ આવું અનુભવાય છે? | Solution to all your problems | The knowledge of Truth | The knowledge of absolute
એક દિવસ યશ કામ પરથી થાકેલો ઘરે આવ્યો! એટલો બધો થાકી ગયો હતો કે એક પછી એક વિચારો ચાલતા હતા કે, “શું આ જ જિંદગી છે? રોજ સવારે ઊઠવાનું, પરવારવાનું અને નોકરી પર જઈને લોકો માટેની જવાબદારીઓ પૂરી કરીને સાંજે પાછું ઘરે આવી ખાઈ-પી ને સુઈ જવાનું?”, “હું મહીને લાખો રૂપિયા કમાઉ છું પણ મને મનની શાંતિ નથી મળતી! રોજ સુવા જાઉં છું ત્યારે બીજા દિવસની ચિંતા સતાવતી હોય છે”, “કાશ, આ બધી ખોટી લોકોની જવાબદારીઓ નાં હોત અને હું કોઈ એકાંત વાળી જગ્યાએ રહેતો હોત! જ્યાં બસ હું જ હોત! બીજું કોઈજ નાં હોત! મને કોઈ જજ કરનારું નહિ, કોઈ જવાબદારી નહિ, બસ એક નાનું ઘર, એક નદી & નદીમાં લહેરતું પાણી, પક્ષીઓનો કલરવ અને પ્રકૃતિ બસ!”
તમારા જીવનમાં પણ નાના મોટા પ્રોબ્લેમ રહેતા હશે જેમાં તમે ઘણી વખત જિંદગીથી નાસીપાસ થઇ જતા હશો. કારણ કોઈ પણ હોય શકે છે જેમકે, “રીલેશનનું કારણ, ધંધાનું કારણ, નોકરીનું કારણ, માં-બાપનું કારણ, પરિવારનું કારણ, પોતામાં ભરોસો નાં હોવાનું કારણ, ડરનું કારણ અથવા કોઈપણ કારણ વગર જ!” અને આ ડીપ્રેસનની નિશાની છે. આવા નકારાત્મક વિચારો તમને અંદરથી એટલી હદે તોડી પાડે છે કે તમે દુઃખી ગાયનો સાંભળવાનું પસંદ કરો છો! જીવનમાં જ્યારે પણ તમે કોઇપણ કારણસર નાસીપાસ થઇ ગયા હોય ત્યારે મારા આ લખેલાં શબ્દોને યાદ કરજો, દુનિયાની કોઈ કંપની ગેરંટી નથી આપતી પણ હું આપું છું કે, મારા આ શબ્દોની અસર તમારા માનસપટ પર એ રીતે થશે કે તમને ક્યારેય નિરાશા નહિ અનુભવાય. તમને ક્યારેય સુસાઈડ કરવાનો વિચાર પણ નહિ આવે. તમે હમેશા જીવનને અલગ નજરીયાથી જોશો. હમેશા દુઃખી પરિસ્થિતિમાં પણ ખુશીનો અહેસાસ કરશો! તો શું જાણવાની ઉત્સુકતા થઇ કે દુઃખી પરિસ્થિતિમાં પણ ખુશી નો અહેસાસ? કઈ રીતે?
એજ છે હકીકત. ચાલો સમજાવું!
હું આજે જે રીતે તમને કન્સેપ્ટ સમજાવવાનો પ્રયાસ કરું છું તેને તોજ સમજી શકશો જ્યારે તમે મારા લખેલાં દરેક શબ્દને નીરપક્ષ બનીને અને મારા વિશે તમારા જે પણ કંઈ મંતવ્યો હોય તે દરેક મંતવ્યોને ભૂલી જશો.
તમારું જ્ઞાન (જાણેલી માહિતી નહિ, સમજેલું જ્ઞાન!) તમારા સ્વીકારવા ઉપર આધાર રાખે છે. અને તમારી સ્વીકારવાની વૃત્તિ તમારા ભરોસો કરવા ઉપર નિર્ભર કરે છે. ઉદાહરણ રૂપે, માનીલો કે હું તમને ભગવાનનાં અસ્તિત્વ વિશે કોઈ તાર્કિક (logical) વાત કરું છું પણ જો તમે હમેશા ફકત અને ફક્ત સાબીતિઓમાં જ વિશ્વાસ કરતા હશો તો હું ગમે તેટલા તાર્કિક કારણો આપીશ તો પણ તમે ભગવાનના અસ્તિત્વને નાકારશો જ. આથી તમારું ભગવાન વિશેનું જ્ઞાન તેનામાં ભરોસો કરવાથી આવે છે. - આ હું નથી કહેતો, આપણા વેદિક ગ્રંથોમાં લખેલું છે.
તમારા દરેક પ્રશ્નનું મૂળ કારણ એ છે કે તમે એની સાથે સંકળાયેલા છો! નાં ખબર પડી?!
એટલે કે, તમે એ પ્રશ્નને ‘પ્રશ્ન’ તરીકે જોવો છો એટલા માટે એ ‘પ્રશ્ન’ છે. નોટબંધીનો સમય આપણા બધા માટે એક પ્રશ્ન હતો પણ વિજય શેખર શર્મા (Paytm નાં માલિક) માટે એ એક તક હતી. એ જ રીતે, પ્રશ્નને જોવાનો નજરીયો નક્કી કરે છે કે તે પ્રશ્ન છે કે બીજું કંઈ?! બીજું ઉદાહરણ: સ્ટેજ પર બોલવાનો ડર મારો પ્રશ્ન હતો પણ તેને જોવાનો નજરીયો બદલીને મેં એ ડરનો જ નિકાલ કર્યો હતો એ મારી સમજણ હતી. હવે, અત્યારે તમારા જીવનમાં કોઇપણ પ્રશ્ન હોય તો આ જ સમયે તમે એમ વિચારો કે તમે તમારા દરેક સબંધોથી, કાર્યોથી, જવાબદારીઓથી અને વિચારધારોથી ખુબ જ દુર છો! હું સમજી શકું છું કે આવી કલ્પના ખુબ જ અઘરી છે, પણ એક વખત તમારા માટે ટ્રાય કરી જુવો. અને આ જે પણ ટ્રાય કરો છો તેમાં તમારું ધ્યાન 100% આપો અને તમારી કલ્પનાને એક જીવંત ઘટના હોય એ રીતે કલ્પિત કરો!
ટ્રાય કરો એવું કલ્પના કરવાનો કે, “તમારા દરેક સબંધોથી તમે ખુબજ દુર છો, તમારી દરેક જવાબદારીઓથી તમે બિલકુલ મુક્ત છો, તમારે કંઇજ કાર્યો કરવાના બાકી નથી રહ્યા, તમે એકદમ ફ્રી છો, તમારા મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તમે આ દુનિયામાં એકલા છો, તમે એક દરિયા કિનારે સાંજના ચાર વાગ્યે એક નાળિયેરીના ઝાડ નીચે બેઠા છો અને દરિયાની લહેરો મસ્ત મજાની ઠંડી હવા સાથે તમારા શરીરને સ્પર્શ કરે છે અને તમને એક આહલાદ્ક આનંદની અનુભૂતિ થાય છે. આહા.. શું આનંદ છે અહીં!”
આ એક માનસિક કસરતથી તમે ટેમ્પરરી ખુશી મેળવી? જો હા, તો તેનો મતલબ એ થયો કે તમે હવે રેડી છો તમારી ખુદની જાતને (આત્મા)ને સમજવા માટે! અને જો તમે ઉપર લખેલા શબ્દોની કલ્પના કરીને ટેમ્પરરી ખુશી નથી મેળવી શક્યા તો સમજજો કે તમે તમારી કલ્પનાશક્તિનો ઉપયોગ જ નથી કર્યો અને તમારે ફરીથી એ કસરત કરવીજ પડશે.
આ કસરતથી તમે એવું નોંધી શકશો અથવા અવલોકન કરશો તો જાણવા મળશે કે તમે તમારા શરીર સાથે જે જગ્યા પર જે પરિસ્થિતિમાં બેઠા કે ઉભા છો તેમજ હતું બધુજ, તેમ છતાં તમને ટેમ્પરરી ખુશી મળી કઈ રીતે?! કારણ છે “તમારો અલગ રીતે વિચારવાનો પ્રયત્ન!” તમે જ્યારે તમારી જાતને ભૌતિક જવાદારીઓ, સબંધો, કાર્યો (કર્તવ્યો) વગેરેથી દુર કરો છો ત્યારે તમે ભૌતિક દુનિયાથી detach (જુદા) થાઓ છો. અને ત્યારે તમે હકીકતમાં “તમે હોવ છો”. સાચું કહું તો, આપણી ઓળખાણ આપણા ભૌતિક શરીરથી થાય છે. ઉદાહરણ રૂપે, અગર કોઈ બુમ પાડે કે, “યજ્ઞેશ” તો હું (યજ્ઞેશ તરીકે) તેને જવાબ આપીશ કે, “બોલો શું થયું?!” બરોબર? જે તદ્દન સાચું છે. પણ એ “યજ્ઞેશ” છે કોણ? શું એ “યજ્ઞેશ” તમે જેને અત્યાર સુધી જાણતા હતા તે “વ્યક્તિ (શરીર)” છે કે તેના “આચરણોથી રચાયેલું એક વ્યક્તિત્વ”? શું એ યજ્ઞેશ તમારી બુમનો જવાબ આપે છે તે “ભૌતિક શરીર” છે કે એ શરીરને ચલાવનારી અને એ શરીરમાં રહતી એ “ચેતના (Consciousness)”? તમને કદાચ આપણો મુખ્ય ટોપિક બદલાઈ રહ્યો હોય એવું આ જગ્યાએ લાગતું હશે પણ હકીકત એ છે કે આપણે સમજણની બરોબર દિશામાં જઈ રહ્યા છીએ. - આ વાત પર ભરોસો કરશો તો જ તમે “સત્ય” સુધી પહોંચી શકશો.
યજ્ઞેશ એ નથી જે તમે અત્યારસુધી જોતા આવતા હતા કે જાણતા હતા, એતો યજ્ઞેશને આપવામાં આવેલું ભૌતિક શરીર છે કે જેના દ્વારા યજ્ઞેશ આ દુનિયામાં ભૌતિક સુખ-સુવિધાઓ અને દુઃખ-દુવિધાઓ ભોગવી રહ્યો હતો/છે અને (કદાચ!) રહેશે. “યજ્ઞેશ” નામથી જેને તમે સંબોધિત કરો છો તે “યજ્ઞેશનાં” ભૌતિક શરીરની અંદર રહેલું “ચૈતન્ય તત્વ”ને આપણે સંબોધીએ છીએ.
“યજ્ઞેશ” એક ચૈતન્યતત્વ જેમાં રહે છે તે શરીરને આપવામાં આવેલું નામ છે કે જેથી હજારોની ભીડમાં એ નામ બોલવામાં આવે તો આ જ “યજ્ઞેશ” બોલાવનાર તરફ ધ્યાન આપી શકે! પણ આપણે એ ચૈતન્યતત્વને જાણતા નથી અને એ “નાં-જાણવું (અજ્ઞાન/ignorance)” આપણને એવી અનુભૂતિ કરવા પર મજબુર કરે છે કે આ ભૌતિક શરીરજ “યજ્ઞેશ” છે. અને એટલા માટે જ “યજ્ઞેશ (ભૌતિક શરીર)” ને કહેવામાં આવેલા દરેક શબ્દો પર આ “યજ્ઞેશ (ચૈતન્યતત્વ)” અજ્ઞાન(ભૌતિક શરીર જ હું છું એવું જ્ઞાન)ને કારણે એવું માની બેસે છે કે એ શબ્દો તેને (ચૈતન્યતત્વને) કહેવામાં આવેલા છે. જેને કારણે તે સુખ અથવા દુઃખની અનુભૂતિ કરે છે.
હકીકત કહું તો આપણું ભૌતિક શરીર એવા દરેક અંગોનું બનેલું છે જે દરેક અંગોને તેમનું પોતાનું ચોક્કસ કાર્ય છે જેમકે, આંખોનું કાર્ય જોવાનું, કાનનું કાર્ય સાંભળવાનું, મગજનું કાર્ય તર્કની મદદથી અને મનની મદદથી માહિતી એકત્રિત કરવાનું અને હૃદયનું કાર્યછે શરીરને ચલાવવાનું તદુપરાંત લાગણીઓને મહેસુસ કરવાનું. તમે લાગણીઓને ક્યારેય મગજથી સમજી નાં શકો (ફક્ત જાણી શકો), કારણકે લાગણીએ સમજવું એ હૃદયનો વિષય છે, ભરોસો કરવો એ હૃદયનો વિષય છે, પ્રેમ કરવો એ હ્રદયનો વિષય છે. એવું મારું અવલોકન રહ્યું છે કે, અહી વર્ણવેલા આ દરેક કામમાં જ્યારે-જ્યારે મનનો સમાવેશ થયો છે ત્યારે-ત્યારે દરેક જગ્યાઓએ અંતે વિનાશ જ નોંતરાયા છે. કારણકે મન પ્રેમની પરિભાષાને તર્કની મદદથી જાણવાનો પ્રયત્ન કરશે પણ હકીકત એ છે કે પ્રેમએ જાણવાની વસ્તુ જ નથી, પ્રેમ મહેસુસ કરવાની વસ્તુ છે. અને મહેસુસ કરવું એ હ્રદયનો વિષય છે. એટલે જયારે પણ કોઇપણ વ્યક્તિના પ્રેમમાં અથવા પ્રેમલગ્નમાં મનનો સમાવેશ થશે ત્યારે તેને તેના સાથી પ્રત્યે શંકા(doubts), અસુરક્ષા (insecurities), ઈર્ષ્યા(jealousy) વગેરે જેવી અનેકો બાબતોનો સામનો કરવો પડતો હોય છે. અને ત્યારે ત્યારે એ લોકોના જીવનમાં દુઃખ આવવાનું શરુ થાય છે કેમ કે તેમાં મનનો સમાવેશ થયો. પ્રેમ વિષય હૃદયનો હતો અને એમાં મને દખલઅંદાજી કરી એટલે એ સબંધમાં દુઃખનો જન્મ થયો. હવે આ પ્રશ્નનું સમાધાન શું? સમાધાન તો ઘણાબધા છે પણ હું એ દરેક લખવા જઈશ તો એક પુસ્તક લખાઈ જશે એટલા બધા દ્રષ્ટિકોણ નીકળી શકે છે પણ એ બધાથી ઉપર, જ્ઞાનનાં સ્તરે વિચારશો તો સમજાશે કે એ બધુજ આ ભૌતિક સંસાર સાથે પોતાની જાતનું જોડાયેલું રહેવાનું અજ્ઞાન તમને દુઃખની અનુભૂતિ કરાવે છે.
કોઈ વ્યક્તિ સાથે તમને આકર્ષણ થયું એ એટલે થયું કારણકે શરીર બન્યુજ છે એના માટે, પણ તમારું અજ્ઞાન તમને મર્યાદાનું ભાન નહિ થવા દે અને તમે પણ એ અજ્ઞાનનાં વશમાં આવીને (અર્થાત માયાનાં વશમાં આવીને) એ વ્યક્તિ સાથે આકર્ષિત થશો અને પછી તો મન, બુદ્ધિ, હ્રદય વગેરે તેનું કામ તો કરવાના જ છે કેમ કે શરીરને અંગો મળ્યાજ છે તેમના પોત-પોતાના કર્યો કરવા માટે! એટલે એ તમારા મનને વશ કરવાનો પ્રયત્ન કરશે અને અંતે તમે આગળ કહ્યું એમ શંકા, અસુરક્ષા વગેરે જેવી બાબતોને દુઃખની દ્રષ્ટીથી જોશો અને મહેસુસ કરશો. બસ, બરોબર આ જ સમયે, અગર તમે એક વિચાર એવો કરશો કે, તમે આ “તમને સોંપવામાં આવેલું શરીર છે” તે નથી અને એક ચૈતન્યતત્વ છો, તો તમેં હમેશા detach અવસ્થામાં રહેશો અને ભૌતિક શરીરમાં હોવા છતાં તમે એ વિચારને કારણે સતત એ જ્ઞાનમાં રહેશો કે, “તમે એક ચૈતન્યતત્વ છો જે ખુબજ મહાન છે અને પવિત્ર છે, તે તેની અન્દર જ પરિપૂર્ણ છે, તે અમર છે, અજર છે, તે સર્વવ્યાપી છે, તે દરેકની અંદર રહેલી છે અને તે આપણે છીએ” (આ વાત હું નહિ પણ આપણા મહાન પ્રાચીન ગ્રંથોમાં લખેલી છે {અને ઘણી બાબતોને મેં જાતે મહેસુસ કરેલી છે} યજુર્વેદ 3.60.1, બ્રીહાદારન્ય્ક ઉપનિષદ 2.4.14, માંડૂક્ય ઉપનિષદ 1.1.8, બ્રહ્માંડ પુરાણ, પદ્મ પુરાણ, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ).
જયારે તમને આ હકીકતની અનુભૂતિ & જ્ઞાન થઇ જશે તે દિવસથી તમારા માટે દરેક ભૌતિક સુખ-સુવીધાઓ કે દુઃખ-દુવિધાઓ બિલકુલ ગૌણ થઇ જશે અને તે દિવસથી તમારા માટે સુખ-દુઃખ બંને એક સમાન હશે.
અત્યારે હાલ પુરતા તમારા દરેક પ્રશ્નોનું એક જ સમાધાન છે, “સુખ હોય કે દુઃખ, ફિલ્મનો એક હિસ્સો છે અને તમે ફક્ત એક કિરદાર છો અને તમારે તમારી ભૂમિકા નિભાવવાની છે એ વિચાર સાથે તમારા સુખ કે દુઃખ સાથે સંકળાયા વગર તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે”. માનસિકરીતે જે દિવસે તમને દરેક ભૌતિક વસ્તુ/વિષય/પરિસ્થિતિનો ત્યાગ કરશો ત્યારે જ તમે હમેશા માટે ખુશીની દુનિયામાં જીવી શકશો. કારણકે, સાચું સુખ અને ખુશી ખુદની જાતને જાણવામાં છે આ ભૌતિક કાર્યોમાં નહિ.
તમે રાત્રે રોજ સુઈ જાઓ છો, સ્વપ્નમાં ક્યારેક એવું બન્યું હશે કે તમે કોઈ ઈમારત ઉપર ઉભા છો અને તમારો પગ ખસી ગયો અને તમે એકદમ જ ખુબ ઉપરથી નીચે પડ્યા અને અચાનક ઊંઘમાં પણ તમને ડરનો અહેસાસ થયો. પણ જેવીજ તમારી આંખ ખુલી કે તરત જ તમને એક બીજા અજ્ઞાનની અનુભૂતિ થઇ કે, “હાશ! હું તો અહી સુતો છું, સુરક્ષિત છું!” આ અનુભૂતિ હમેશા તમને એવું (ખોટું) માનવા માટે મજબુર કરે છે કે તમે આ ભૌતિક શરીર છો પણ ચેતના નહિ. પરંતુ, હકીકત તો એ છે કે તમે જે સ્વપ્નમાં પણ જે અનુભવ કર્યો તે પણ તમારો પોતાનો જ એક અનુભવ હતો. પરંતુ, આંખો ખુલતા જ ચેતના ભૌતિક શરીરમાં પોતાનાં અસ્તિત્વની ખાતરી કરવાથી તમારા શરીરનાં મને(mind) તમારી બુદ્ધિ (intellect)ને કીધું કે “તું તો શરીર છે અને અહિયાં જ પલંગ પર સુતો છે, આ તો એક સ્વપ્ન હતું, ભૂલીજા, તું હવે સુરક્ષિત છે” આથી તમે જે જોયું, જાણ્યું અને (ખોટી રીતે) સમજ્યું એ (ખોટી) સમજણને કારણે તમે માની લીધું કે, “તમે શરીર જ છો અને આ જ (ભૌતિક) દુનિયા તમારી દુનિયા છે”.
બોધ:
તમારા દરેક પ્રશ્નનો હલ (સમાધાન) એ છે કે તમે ભૌતિક દુનિયાનાં દરેક કર્તવ્યોને એક ફિલ્મનાં કિરદાર તરીકે નિભાવો જેમાં તમારી સુજ-બુઝ (સાચું - ખોટું, ઇથીક્સ, મર્યાદા, રીસ્પેક્ટ વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને) વાપરીને કોઇપણ પ્રકારનું attachment કે આશાઓ રાખ્યા વગર નિભાવો. કોઈની સાથે પ્રેમ થઇ જાય તો દિલથી પ્રેમ કરો, મગજથી નહિ. તમને એવું લાગે કે તે તમને છોડીને ચાલ્યું ગયું અને ગદ્દારીની ભાવના મહેસુસ થાય તે તમારા મગજને કારણે થાય છે અને એટલે જ એ વ્યક્તિને બ્રેકઅપ બાદ તમે ગાળો બોલો છો જેના માટે તમે એક સમયે વખાણોનાં ફૂલો વરસાવતા હતા. પ્રેમ કર્યો હતો તો એ પ્રેમમાં એવી અપેક્ષાઓ કેમ રાખો છો કે તે હમેશા તમારી સાથે જ રહેશે? તમને છોડીને ક્યારેય નહિ જ જાય? - ચાલો જીવનભર તમારી સાથે રહેશે, પણ મૃત્યુ સમયે? - ત્યારે તો છોડીને જ જશે ને? સમજણમાં અને નજરીયામાં જ ખાલી ફેર હોય છે બાકી દુઃખ-સુખતો મનની કલ્પના માત્ર છે. જે સુરજ શિયાળામાં તડકો આપે છે ત્યારે તમે ખુશ થાઓ છો અને એજ સુરજ ઉનાળામાં તડકો આપે છે ત્યારે તેને ગાળો આપો છો - આ માણસનો સ્વભાવ છે, સ્વાર્થીપણું. શિયાળાનો તડકો તમને ગરમી આપતો હતો અને ઉનાળાનો તડકો તમને શરીર પર દઝાડે છે. તમે જયારે સ્વ-કેન્દ્રિત (self-centric) થાઓ છો ત્યારે મગજનો ઉપયોગ કરો છો અને જયારે મગજનો ઉપયોગ કરો છો ત્યારે સ્વાર્થનો જન્મ થાય છે અને એ સ્વાર્થમાં ઈર્ષ્યા, અપેક્ષાઓ વગેરે જેવી ભાવનાઓનો જન્મ થાય છે અને તમને દુઃખનો અનુભવ કરાવે છે જેનાથી બચવા માટે એક માત્ર સનાતન સત્ય હકીક્ત એવું કોઈ જ્ઞાન હોય તો તે છે “તમે આ શરીર નહિ અને એક ચૈતન્યતત્વ છો” એ વાસ્તવિકતાની સમજણ. અને એ સમજણ તમને ત્યારે જ આવી શકે છે જ્યારે તમે શરણાગતિ સ્વીકારો અર્થાત એ હકીકત પર ભરોસો કરીને જીજ્ઞાસાની મદદથી કોઈ સાચા ગુરુના સાનીન્ધ્યમાં તેને મહેસુસ કરવાનો પ્રયાસ કરો.
હું આશા રાખું છું કે તમે અહી લખેલા દરેક શબ્દો પર ભરોસો કરીને સમજવાનો પ્રયત્ન કર્યો હશે અને હું એ પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમારા પ્રશ્નોનું સમાધાન તમને ખુબ જલ્દીથી મળી જાય.
જયહિન્દ.
Comments
Post a Comment