20 વર્ષની મિત્રતા હતી રાજ અને કીર્તનની.
બંને એટલા ગાઢ મિત્ર કે કોઈ પણ વાત નાનામાં નાની હોય કે ગમે તેટલી મોટી, બંને પોતાની વાત એક બીજાને શેર કરતા.
સંસારમાં એક નિયમ બહુ અઘરો છે જે દરેકને સમજવાનો છે: સબંધનો નિયમ!
જ્યારે તમારો સબંધ કોઈની સાથે બંધાઈ જાય પછી એ સબંધોમાં આશાઓ અને અપેક્ષાઓ ખુબ વધી જતી હોય છે. અને આ વાત દુનિયાના દરેક માણસ માટે લાગુ પડે છે કે, "જીવનમાં જયારે પણ કોઈ સબંધ બનાવો તો ક્યારેય મગજ નાં વાપરશો" કારણકે, સબંધ હમેશા હ્રદયથી બંધાય છે.
તમે જયારે પણ કોઈ વ્યક્તિ સાથે થોડો સમય વિતાવો ત્યારે તમને તેના પ્રત્યે એક લાગણી થઇ જવી સ્વાભાવિક છે અને તે વ્યક્તિ સાથે લાગણી હોવાને કારણે સબંધ બને છે અર્થાત, લાગણીનો સબંધ હ્રદયથી બને છે. તો એજ સબંધોમાં મગજ શું કામ વાપરો છો? આશા કે અપેક્ષાઓ મગજનાં (મનનાં) વિષયો છે. હ્રદય હમેશા બિનશરતી વર્તે છે અને મન હમેશા શરતી! તમે તમારા મનને ટ્રેનીંગ આપી શકો છો કે તે પણ બિનશરતી રીતે વર્તે. પણ આપણા અહંકારને કારણે આપણું મન હંમેશાથી શરતી રીતે વર્તે છે. અને ઇત્તેફાકથી આપણે ફક્ત આપણા મનનું જ માનીએ છિએ હ્રદયનું નહિ! જયારે હકીકત એવી છે કે, આપણું મન આપણું માનવું જોઈએ પણ આપણે તેના ગુલામ થઇ ગયા છીએ.
શરતી અને બિનશરતી એટલે શું?
શરતી એટલે તમારું મન જે પણ તમને કહેશે એ દરેક વસ્તુઓમાં તમારો સ્વાર્થ, ઈર્ષ્યા, ક્રોધ, અહંકાર, માનીપણુ, ગદ્દારી, નફરત વગેરે વગેરે જેવા પરિબળો જરૂર હશે અને એનું કારણ તમારો અહંકાર છે. અહીં અહંકાર એટલે "હું પણું - હું જ સર્વથી મોટો" નહિ પરંતુ "મારું એક અલગ અસ્તિત્વપણું" છે.
બિનશરતી એટલે તમારું મન તમને જે પણ કહેશે એ દરેક વસ્તુઓમાં બીજા માટે આદર, સન્માન, લાગણી, દયાપણું, પ્રેમ, ઉપકાર, કરુણા, ભરોસો, તેમની ખુશીમાં આપણી ખુશીની ભાવના વગેરે જેવા પરિબળો હોય છે. અને તેનું કારણ તમારો અહંકાર નથી પણ તમારું સાચું જ્ઞાન (તમે એક મહાન આત્મા {બ્રહ્મતત્વ} છો તેનું જ્ઞાન) જવાબદાર છે.
હાં તો, મેઈન ઉદાહરણ પર પાછા આવીએ તો, રાજનાં ઘરેથી એક દિવસ કહેવામાં આવ્યું કે રાજ તાર માટે એક છોકરી જોઈ છે અને તારે લગ્ન કરી લેવાના છે. રાજે એ છોકરી સાથે લગ્ન કરી લીધા અને પછી આ હકીકત તેના જીગરી મિત્ર કીર્તનને કહી. કીર્તનને આ વાતનું ખુબ દુઃખ થયું! કીર્તનને રાજના લગ્નની ખુબજ ખુશી હતી પણ રાજે આ વાત કીર્તનને નાં કહી તેના કારણે કીર્તન ખુબજ દુઃખી થઇ ગયો. કીર્તને તેના બીજા મિત્ર યશને કીધું:
જોયું યશ!, હું (કીર્તન) અને રાજ બંને છેલ્લા 20 વર્ષથી મિત્રો છીએ, હું મારી નાની મોટી દરેક વાત રાજને કહું છું. અને તેના જીવનની સૌથી મોટી ખુશીની વાત પણ તેણે મને કહેવાની જરૂર નાં સમજી? આટલી જ તેની મિત્રતા?, આટલો જ એને મારા પર વિશ્વાસ? કદાચ એના મગજમાં એમ હોય કે હું એના લગ્નની વાત કોઈને કહી નાં દઉં એટલે તેણે મને નાં કીધું હોય, પણ તેને એટલી તો ખબર હોવીજ જોઈએ ને કે હું એનો બેસ્ટફ્રેન્ડ છું, મને કીધું હોત કે, "આ વાત કોઈને નથી કહેવાની" તો હું નાં કહોત! પણ મને પણ નાં કીધી?
સામાન્ય રીતે આપણા જીવનમાં દરેકનાં ઘરે આવી કહાનીઓ જોવાની મળતી હોય છે અને આ જ કારણોસર વર્ષો જુના સબંધોમાં પણ તિરાડ પડતી હોય છે.
બસ આ એક જ અપેક્ષા કે, "મને નાં કીધું?" - દુનિયાના મોટા મોટા સબંધોમાં તિરાડ પડાવતા હોય છે. અને આ સમયે તમારું જ્ઞાની હોવું ખુબજ જરૂરી છે! જ્ઞાની એટલા માટે કારણ કે રાજે કીર્તનને તેના લગ્નની વાત નથી કીધી તેની પાછળ ઘણા બધા કારણો હોય શકે છે.
તમે જાતે આ સ્ટોરી ને તમારા જીવન સાથે લીંક કરી ને શક્યતાઓ વિચારવાનો પ્રયત્ન કરો તો તમને આ પ્રમાણે શકયતાઓ દેખાશે:
- કદાચ રાજને એમ લાગતું હોય કે, "કીર્તન ભૂલથી બીજાને કહી દેશે" એટલે નાં કીધું
- કદાચ રાજને એમ લાગતું હોય કે, "કીર્તનને એનાથી ઈર્ષ્યા થાય તો?" એટલે નાં કીધું
- કદાચ રાજને મિત્રતાની કોઈ કિંમત જ નથી એટલે જ કીર્તને વર્ષો સુધી તેની સાથે દિલથી સબંધ રાખ્યો અને તો પણ રાજે આટલી મહત્વની વાત નાં કીધી!
- કદાચ રાજ મતલબી થઇ ગયો હોય શકે છે!
- કદાચ રાજને હવે કીર્તનની જરૂર નાં રહી હોય!
આમ, તમે ઉપર પ્રકારની શક્યતાઓ વિચારી હોય શકે છે, પણ તમે જો ધ્યાન આપશો તો એ દરેક શક્યતાઓ ફક્ત કીર્તનની વિચારધારા હતી, ખરેખર તેને રાજની વિચારધારા તો ખબર જ નથી ને? કદાચ રાજ આ પ્રમાણે વિચારતો હોય તો?:
- કદાચ રાજ પોતે તેની પરિસ્થિતિને સ્વીકારી જ નાં શક્યો હોય તો? અને બેધ્યાની થઇ ગયો હોય અને એટલે નાં કીધું હોય!
- કદાચ રાજની પ્રકૃત્તિ જ એવી હોય તો?
- કદાચ રાજ અંતર્મુખી સ્વભાવનો જ હોય તો?
- કદાચ રાજને એમ લાગતું હોય કે, "કીર્તન ભૂલથી બીજાને કહી દેશે અને બીજો વ્યક્તિ વિઘ્નસંતોષી હોય તો?"
- કદાચ રાજને કહેવાની ઈચ્છા જ નાં હોય તો?
કીર્તનને રાજે તેના લગ્નની વાત નાં કીધી એટલે ઉપર મુજબની વિચારધારા રાખીને કીર્તને રાજ સાથે હૃદયથી બાંધેલો સબંધ મગજની મદદથી ધીરે-ધીરે ઓછો કરી દીધો. જ્યારે રાજનાં મગજમાં કીર્તન વિશે કોઇપણ પ્રકારનો નેગેટીવ વિચાર હતો જ નહિ, તેના માટે કીર્તનની અને રાજની મિત્રતા 20 વર્ષથી જે હતી એજ હતી, બસ તેણે કીર્તનને કીધું નહિ એટલું જ! વિચારો, 20 વર્ષનો હ્રદયથી રાખેલો સબંધ મગજે ફક્ત 1 જ વિચારથી તોડાવી દીધો.
આ મારું વ્યક્તિગત અવલોકન રહ્યું છે કે લોકો સબંધોમાં અપેક્ષાઓ ખુબજ રાખતા હોય છે.
પણ એ લોકો એમ નથી સમજતા હોતા કે, સબંધોમાં અપેક્ષાઓ રાખવાની નથી હોતી કારણકે અપેક્ષાઓ રાખ્યા પછી જો અપેક્ષા પૂર્ણ નાં થાય તો અહંકારને ઠેસ પહોચે છે અને જયારે-જયારે અહંકારને ઠેસ પહોંચશે ત્યારે-ત્યારે અહંકાર જે-તે સબંધને તમારાથી દુર કરી દેશે. આપણા શરીરનો રાજા આપણું મન છે. અને મનનો રાજા (અજ્ઞાનને કારણે) આપણો અહંકાર છે. અને અજ્ઞાનને કારણે અહંકાર આપણું મન અને શરીર ચલાવે છે. અહંકાર આપણી બુદ્ધિમત્તા ઉપર પણ નિયંત્રણ કરી લે છે અને એટલે જ જીવનમાં પ્રશ્નો ઉભા થાય છે. આજથી હજારો વર્ષો પહેલાથી આપણા ઋષિ મુનીઓ આ હકીકતને સમજી ગયા હતા એટલે જ તેમણે આપણને મહાન ભેટો આપી હતી જેમ કે, વેદો, ઉપનીષદો, પુરાણો, ગ્રંથો વગેરે કે જેની અંદર "સ્વ" ને ઓળખવાની પદ્ધતિઓ આપેલી છે.
પણ આપણું આધુનિક મન આપણા મહાન ગ્રથોને ધાર્મિક પુસ્તકો સમજીને ક્યારેય આપણને વિચારવાની એક તક નથી આપતું કે, "આપણે 'સ્વ'ને સમજવું જોઈએ"
દુનિયાના દરેક પ્રશ્નોનાં જવાબો આપણા ગ્રંથોમાં છે. પણ આપણે આપણા અહંકારને કારણે ક્યારેય તસ્દી જ નથી લીધી સમજવાની કે જાણવાની.
Anyways, હું આશા રાખું છું કે તમે આ પોસ્ટ માંથી કંઇક જાણ્યું હશે અને તમને તમારા સબંધોને સમજવામાં મદદરૂપ થશે. તમને કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. અને આ પોસ્ટ તમને કેવી લાગી તે પણ અમને જણાવી શકો છો. ખુબ ખુબ આભાર.
બોધ: સબંધો હ્રદયથી બને છે અને તેમાં મગજનો ઉપયોગ નાં કરશો. કોઇપણ સબંધમાં અપેક્ષાઓ નાં રાખશો. એવું જરૂરી નથી કે તમે તમારા બેસ્ટફ્રેન્ડને તમારી બધી વાતો શેર કરતા હોય તો તેણે પણ તમને તેની બધીજ વાતો શેર કરવી જ પડશે કે કરવી જ જોઇશે - એવું જરૂરી નથી. કારણકે તેવી વિચારધારાને અપેક્ષા કહેવાય છે અને અપેક્ષા મગજનો વિષય છે જેને હ્રદયથી બનેલા સબંધમાં નાં લાવવું જોઈએ. નહિતર દુઃખ થશે (અજ્ઞાન & અહંકારને કારણે).
Credit for Possibilities mentioned in the post: @harshilvdc77
Comments
Post a Comment